Ticker

6/recent/ticker-posts

IAFમાં 45 ટકા દુર્ઘટના માનવીય ભૂલથી


ભારતીય વાયુસેનામાં ગત છ વર્ષમાં થયેલી વિમાન દુર્ધટનાઓમાંથી 45 ટકા માનવીય ભૂલને કારણે થઈ છે. વાયુસેનાએ સંરક્ષણ મામલાઓની સંસદીય સમિતિને સૂચિત કરી છે કે એપ્રિલ-2004થી માર્ચ-2010 વચ્ચે 74 વિમાન દુર્ઘટના થઈ છે, જેમાંની 42 ટકા તકનીકી ખામીને કારણે થઈ છે. જ્યારે માત્ર છ ટકા દુર્ઘટનાઓ પક્ષીઓના ટકરાવાને કારણે થઈ છે.

ટકાવારીમાં અપાયેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે છ વર્ષના ગાળામાં ઘટેલી 74 વિમાન દુર્ઘટનાઓમાંથી 33 માનવીય ભૂલને કારણે, 31 તકનીકી ખામીને કારણે અને 4 દુર્ઘટના પક્ષીના ટકરાવાને કારણે ઘટી છે. જ્યારે વાયુસેનાએ બાકી રહેલી 6 દુર્ઘટનાના કારણો સંસદીય સમિતિને આપ્યા નથી.

સમિતિએ સંસદને સોંપેલા નવા રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરી છે કે આ દુર્ઘટનાઓ વાયુસેના પાસે પોતાના તાલીમાર્થી પાયલોટ માટે ટ્રેનર એરક્રાફ્ટની અછત અને જૂનાં થઈ ગયેલા સિમ્યુલેટરોનો ઉપયોગ ન થવાને કારણે ઉત્પન્ન થતાં સંકટને કારણે થાય છે.

આ રિપોર્ટમાં ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાયુસેનાના પાયાગત પ્રશિક્ષક વિમાન હિંદુસ્તાન ટ્રેનર-32ની ઉડાણ ગત વર્ષ થયેલી એક દુર્ઘટનાને કારણે સ્થગિત કરવામાં આવી છે અને કિરણ એમકે-2 એચજેટી-16 સિમ્યુલેટર ઉપયોગમાં લેવાતા નથી.

કોંગ્રેસના સાંસદ સતપાલ મહારાજના નેતૃત્વવાળી સમિતિએ કહ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે નવા ટ્રેનર વિમાન હાસિલ કરવા માટે અને સિમ્યુલેટરોમાં સુધારો કરવા માટે તમામ પગલાં ભરવા જોઈએ કે જેથી પાયલોટોને યોગ્ય તાલીમ મળી શકે. જેનાથી માનવીય ભૂલોથી થનારી દુર્ઘટનાઓમાં કમી આવે.

વાયુસેનના હિંદુસ્તાન પિસ્ટન ટ્રેનર (એચપીટી)-32ના એન્જિન અને તેની એરફ્રેમમાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને વાયુસેનાએ પોતાના તમામ કિરણ ટ્રેનરોને પણ હટાવી દીધા છે. સામાન્ય રીતે કિરણ ટ્રેનરો દ્વારા ઉડ્ડયનની તાલીમ અપાતી હોય છે.

જ્યારે પાયલોટ એડવાન્સ્ડ જેટ ટ્રેનર (એજેટી)ના અભાવમાં કિરણ વિમાનથી સુપરસોનિક લડાકૂ વિમાન મિગ-21 પર જાય છે, જેમા તેમની તાલીમના પાઠયક્રમમાં એક અંતરાલ આવી જાય છે.

વીસ વર્ષ સુધી ચાલેલી લાંબી પ્રક્રિયા બાદ વાયુસેનાએ 2004માં 66 બીએઈ હોક એજેટી ખરીદવાના કરાર કર્યા હતા, જેની પહેલી ખેપ 2008માં પાયલોટોની તાલીમ માટે સામેલ કરવામાં આવી છે.